સંસ્થાના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ પોતાના સ્વાગત પ્રવચનમાં કોન્ફરન્સના હેતુઓ અને લક્ષ્યો અંગે માહિતી આપી હતી. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શંકરસિંહ વાઘેલાએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં સર્વસમાવેશક વિકાસ સાધવા સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે ભારતીય સંસ્કૃતિમાં નિહિત ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના દ્વારા અને ભારતીય ભાષા-સંસ્કૃતિના જતન, સંવર્ધન થકી સંપોષિત વિકાસ સાધી શકાશે, તેમ જણાવ્યું હતું. બીજ વક્તવ્ય આપતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. હિતેશ શુક્લએ દેશની જાણીતી ફેમીલી બ્રાન્ડસની સફળતા અને પડકારો અંગે કેસ સ્ટડી આધારિત વિશ્લેષણ રજૂ કર્યું હતું.
ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત પોલેન્ડ, કેન્યા, અફઘાનિસ્તાન વ. દેશોમાંથી નિષ્ણાતો અને રીસર્ચ સ્કોલર્સ દ્વારા ઓફલાઈન ૧૬૦ અને ૯૫ ઓનલાઈન અભ્યાસપૂર્ણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. સમાંતર રીતે, સમર્પણ કેમ્પસમાં પેનલ ડિસ્કશન અને ઇન્ડિયન કોમર્સ એસોસિએશન(ICA)ની એક્ઝીક્યુટીવ મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં દિલ્હી, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ વ.માંથી ખ્યાત શિક્ષણવિદો અને હોદ્દેદારોએ ભાગ લીધો હતો.

સમાપન સત્રના મુખ્ય અતિથિ ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. નીલેશ પંડ્યાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંદર્ભે કોન્ફરન્સ થીમની ચર્ચા કરી હતી. અધ્યક્ષ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા, રજિસ્ટ્રાર ડૉ. એમ.ડી. પાંડે અને પ્રિન્સિપાલ ડૉ. આશિષ જનકરાય દવેએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

